આ વાત મધ્ય પ્રદેશની છે અને ગયા વર્ષની છે. પિન્ટુ અને ચિન્ટુ ( નામ બદલ્યા છે) જેમાં એકની ઉંમર 12 અને બીજાની 14 છે. એમના ઘરમાં કોઈ બીમાર છે અને તાત્કાલિક જવાની જરૂર પડે છે આથી એ બંને ભાઈઓ ધૂમ તડકામાં દવા લેવા જાય છે. અને દવા લઈને પરત તો ફરે છે પણ એમની હાલત એકદમ ખરાબ થઈ ગયેલી હતી. એમને કોઈ ખ્યાલ ના આવે એ સ્વાભાવિક છે પણ એમના ઘરના ને પણ ખ્યાલ ન આવ્યો કે આ લોકો હીટ સ્ટ્રોકનો શિકાર થયા છે એટલે કે એમને લૂ લાગી ગઈ છે ! હિટ સ્ટ્રોક એટલો જોરદાર હતો કે એ લોકો બાળકોને સારવાર કરાવે એ પહેલા જ તેઓ ગુજરી ગયા ,હા એ લોકો ના મોત થઈ ગયા! આ દુઃખદ ઘટના કોઈ ગણ્યો ગાંઠિયો બનાવ નથી પણ ગયા વર્ષે ઘણા લોકો હેટ વેવના શિકાર બનેલા અને મોતને ભેટેલા હતા. આની પાછળનું મુખ્ય કારણ હીટ વેવને અવગણવાનું જ છે. લોકો વાવાઝોડાના સમયે બહાર નથી નીકળતા કે કોઈને નીકળવા નથી દેતા પણ હીટ વેવને એટલું મહત્વ નથી આપતા ! હકીકત એ છે કે હકીકત એ છે કે હીટ વેવ એક ભયંકર વાવાઝોડા જેવું જ હોય છે અને જેમ વાવાઝોડાની આગાહી થાય તેમ હીટ વેવ ની પણ આગાઈ થાય છે. તો મુખ્ય મુદ્દો એ છે કે હીટ વેવ ની આગાહીને ગંભીરતાથી લઈને જરૂરી પગલાઓ લેવા જોઈએ. સરકાર અને મીડિયા દ્વારા લોકોને માહિતગાર કરવા માટે ઘણા પ્રયત્નો થાય છે તેમ છતાં મોટી સંખ્યામાં લોકો આનાથી માહિતગાર નથી અને જે લોકો થોડા ઘણા માહિતીગાર છે એ એને ગંભીરતાથી લેતા નથી . તો ચાલો આજે તમને લૂ વિષે એવી માહિતી આપીએ છીએ જે જાણવી તમને ઘણી ઉપયોગી થશે .
હીટવેવને શું કહેવાય છે?
હીટવેવ એ ઉનાળામાં સામાન્યથી વધારે ગરમ હવામાનના સમયગાળાને કહેવામાં આવે છે, જે બે કે વધુ દિવસો સુધી ચાલે છે. જ્યારે તાપમાન ઐતિહાસિક સરેરાશ કરતા વધારે હોય ત્યારે તેને હીટવેવ માનવામાં આવે છે. દુનિયાભરમાં એના ધોરણો એકસરખા નથી, એટલે કે કેટલાક દેશોમાં 36 ડિગ્રી સેલ્સિયસને હીટવેવ માનવામાં આવી શકે છે જ્યારે કેટલાક દેશોમાં નહીં!
આપણા દેશમાં હીટવેવ ક્યારે જાહેર થાય છે?
ભારતમાં, જ્યારે મેદાની વિસ્તારોનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અથવા તેથી વધુ થઈ જાય ત્યારે હીટવેવ જાહેર થાય છે. જો તાપમાન સામાન્ય કરતાં 4.5થી 6.4 ડિગ્રી સેલ્સિયસ વધારે હોય, તો તેને હીટવેવ માનવામાં આવે છે. જો આ તાપમાન 6.4 ડિગ્રીથી વધારે થઈ જાય, તો તેને 'ગંભીર' હીટવેવ તરીકે જાહેર કરવામાં આવે છે, જે એક પ્રકૃતિની આફત તરીકે ગણાય છે.
હીટવેવના કારણે આરોગ્ય પર શું અસર થાય છે?
હીટવેવના સમયે ઊંચા તાપમાનના કારણે આરોગ્ય પર ગંભીર અસર થઈ શકે છે. હીટવેવ દરમિયાન ખૂબ જ ગરમીના કારણે શરીરનું તાપમાન બગડી શકે છે અને જ્યારે શરીરનું તાપમાન વધારે થાય છે ત્યારે શરીર તેને નિયંત્રિત કરવામાં અસમર્થ બને છે. સામાન્ય રીતે ગરમીના કારણે પરસેવો થાય છે જેનાથી શરીર ઠંડું રહે છે. આ એક કુદરતી વ્યવસ્થા છે, પણ હીટવેવમાં પરસેવો થવાની પ્રણાલી નિષ્ફળ થઈ શકે છે, જેના કારણે શરીર પોતાને ઠંડું રાખવામાં નિષ્ફળ રહે છે જેથી શરીરમાં ડિહાઇડ્રેશન થઈ શકે છે અને બ્લડ પ્રેશર ઘટી પણ શકે છે. આને કારણે ચક્કર આવવા, માથાના દુઃખાવો અને બેહોશી જેવા લક્ષણો જોવા મળે છે. ગંભીર પરિસ્થિતિમાં હીટવેવ હાર્ટ એટેક અને સ્ટ્રોકના જોખમમાં પણ વધારો કરી શકે છે.
લૂ લાગે ( હીટ સ્ટ્રોક ) ત્યારે શું કરવું જોઈએ ?
આ બાબતે અમે પ્રિવેન્ટીવ મેડિસિનના એક નિષ્ણાંત ડોક્ટર સાથે વાતચીત કરેલ જેનો મુખ્ય સારાંશ અહીં રજૂ કરીએ છીએ .
સવાલ : કોઈને હિટ સ્ટ્રોક અસર થઈ છે એ કેવી રીતે ખબર પડે ?
ડોક્ટર : આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે કેમકે હીટ સ્ટ્રોકનો ભોગ બનેલ મોટા ભાગના લોકોને કે એમના કુટુંબીજનોને ખબર જ નથી હોતી કે તેઓ આનો ભોગ બનેલા છે ! હીટ સ્ટ્રોક અથવા લૂ લાગવી એ ગંભીર તબીબી સ્થિતિ છે . હીટ સ્ટ્રોકના લક્ષણો આ મુજબ હોય છે .
✓ શરીરનું તાપમાન 104°F (40°C) અથવા તેથી વધુ.
✓સૂકી અને ગરમ ત્વચા (પરસેવો ન આવવો).
✓ માથાનો દુઃખાવો અને ચક્કર આવવા.
✓ ઉબકા અને ઉલ્ટી.
✓ ચેતના ગુમાવવી અથવા બેભાન થઈ જવું.
✓ ઝડપી અને નબળો પલ્સ.
✓ ત્વચા લાલ અથવા પીળી થવી.
સવાલ : કોઈને હીટ સ્ટ્રોકના લક્ષણો જણાય તો શું કરવું જોઈએ ?
ડોક્ટર : જો કોઈને આ લક્ષણો દેખાય, તો તરત જ ઠંડા સ્થળે લઈ જવું, ઠંડા પાણીથી શરીરને ઠંડું કરવું .આવી પરિસ્થિતિમાં ORS દર્દીને આપવું ઘણું ફાયદાકારક સાબિત થાય છે. આ દ્રવ્ય હિટ સ્ટ્રોકમાં ઉપયોગી છે, કારણ કે તે શરીરમાં ઘટેલા મીઠા અને ખનીજનું સંતુલન પુનઃસ્થાપિત કરે છે. ORS દરેક મેડીકલ સ્ટોરવાળાને ત્યાં વીસેક રૂપિયામાં આસાનીથી મળી રહે છે.હવે ઓનલાઇન પણ ઉપલબ્ધ છે અને ક્વિક કોમર્સવાળા તો દસ પંદર મિનિટ્સ માં ઘરે પણ પહોંચાડી દે છે ! હકીકતે તો દરેક ઘરમાં ORS ના થોડા પેકેટ તો રાખવા જ જોઈએ . જો ORS ની સગવડના હોય તો લીંબુ પાણીમાં થોડું મીઠું અને ખાંડ નાખેલું દ્રાવણ પણ આપી શકાય જે પણ ORS જેવું જ કામ કરે છે . આ ઉપરાંત નાળિયેર પાણી આપવું પણ ફાયદાકારક છે . આ બધી પ્રાથમિક સારવાર છતાં લૂ લાગવાને લાઈટલીના લેતા તાત્કાલિક તબીબી સહાય લેવાની વ્યવસ્થા કરવી જોઈએ . હીટ સ્ટ્રોક જીવલેણ પણ થઈ શકે છે, તેથી સમયસર સારવાર ખૂબ જ મહત્વપૂર્ણ છે.
મિત્રો,
હીટવેવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને લોકોને જાગૃત કરવા અત્યંત જરૂરી છે. આ જાણકારી તમારા ગ્રુપમાં શેર કરો ,શક્ય છે કે એ કોઈના માટે સંજીવની પુરવાર થાય .
ખાસ નોંધ : ઉપરની તમામ વિગતો લોકોમાં જાગૃતિ લાવવા માટે આપી છે .આને મેડિકલ સલાહ ના ગણવી.